કલ્પનાદત્ત: છોકરો બનીને અગ્રેજો સામે લડનારાં ક્રાંતિકારી 27th July
જન્મ : ૨૭ જુલાઇ, ૧૯૧૩, મૃત્યુ: ૮ ફ્રેબ્રુઆરી, ૧૯૯૫
દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવા માટે બંગાળના ક્રાંતિકારીઓ સાથે ખભે ખભો મિલાવીને સંઘર્ષ કરનાર કલ્પના દત્ત વેશ બદલીને ક્રાંતિકારીઓને દારુગોળો પૂરો પાડતાં હતાં. તેમણે નિશાનેબાજીની પણ તાલીમ લીધી હતી અને કારતૂસ બનાવવાનું પણ જાણતા હતા. એટલું જ નહીં, જરૂર પડ્યે ક્રાંતિકારી જરૂરિયાતોને પૂરી કરવા માટે છોકરાનો વેશ ધારણ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હતાં. કલ્પના દત્તનો જન્મ પૂર્વ બંગાળ (હવે બાંગ્લાદેશ)ના ચટગાંવના શ્રીપુર ગામમાં 27 જુલાઇ 1913નાં રોજ થયો હતો. તેમને બાળપણથી જ સાહસી વાર્તાઓ સાંભળવાનો શોખ હતો. હાઇસ્કુલમાં અભ્યાસની સાથે સાથે તેમણે ક્રાંતિકારીઓની જીવનકથા અને વાર્તાઓ વાંચી. આ કહાનીઓની તેમનાં મન પર ઘેરી અસર પડી.
others.
કોલકતામાં કોલેજનાં અભ્યાસ દરમિયાન કલ્પનાની મુલાકાત બીના દાસ, પ્રીતિલતા વદેદાર અને ‘માસ્ટર દા’નાં નામે જાણીતા સૂર્ય સેન સાથે થઇ, તેઓ સૂર્ય સેનના સંગઠન ઇન્ડિયન રિપબ્લિકન આર્મીમાં જોડાઇ ગયા. સૂર્ય સેનનાં નેતૃત્વમાં તેમના દળે 1930માં ચટગાંવ શસ્ત્રાગાર લૂંટ્યું. આ ઘટના બાદ કલ્પના દત્ત પણ અંગ્રેજોની નજરમાં આવી ગયાં, પરિસ્થિતિવશ, તેમને અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડ્યો, પણ તે સૂર્ય સેનનાં સંપર્કમાં રહ્યા. આ દરમિયાન, 19 સપ્ટેમબર, 1931નાં રોજ સૂર્ય સેને તેમને પ્રીતિલતા વદેદાર સાથે મળીને ચટગાંવમાં યુરોપિયન કલબ પર હૂમલો કરવાનું કામ સોંપ્યું.
હૂમલા પહેલાં એ વિસ્તારની તપાસ દરમિયાન અંગ્રેજોએ કલ્પના દત્તને પકડી લીધાં. જો કે, તેમની સંડોવણી સાબિત થતાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા. તે પછી, સૂર્ય સેન સાથે મળીને બે વર્ષ સુધી ભૂગર્ભમાં રહીને આંદોલન કરતા રહ્યા. 16 ફેબ્રુઆરી, 1933નાં રોજ પોલિસે એક જગ્યાએ છાપો મારીને સૂર્ય સેનને પકડી લીધાં. પણ કલ્પના દત્ત ગમે તે રીતે છટકવામાં સફળ રહ્યાં. તે પછી, પોલિસ કલ્પના દત્તની પાછળ પડી ગઇ અને અંતે 19 મે, 1933નાં રોજ તેમની ધરપકડ કરવામાં આવી.
ચટગાંવ શસ્ત્રાગાર લૂંટ કેસની સુનાવણી ફરી એક વાર શરૂ કરવામાં આવી. આ દરમિયાન, સૂર્ય સેનને ફાંસીની સજા આપવામાં આવી અને કલ્પના દત્તને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. જે કે, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરનાં પ્રયત્નોથી કલ્પના દત્તને 1939માં જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે અભ્યાસ પૂરો કર્યો અને 1940માં કલકતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે બંગાળી ભાષામાં આત્મકથા લખી, જેનો અંગ્રેજીમાં અનુવાદ ‘ચટગાંવ આર્મરી રેડર્સ: રેમિનિસેંસ’ નામથી કરવામાં આવ્યો. નીડરતા અને સાહસપૂર્વક અંગ્રેજો સામે સંઘર્ષ કરનાર કલ્પના દત્તનું ૮ ફેબ્રુઆરી, 1955નાં રોજ અવસાન થયું.
Post a Comment